Showing posts with label The History of Kadva Patidar and Ma Umiya Temple. Show all posts
Showing posts with label The History of Kadva Patidar and Ma Umiya Temple. Show all posts

Wednesday, August 21, 2013

The History of Kadva Patidar and Ma Umiya Temple

શ્રી માં ઉમિયા માતા એ આઘશકિત જગત જનની છે તે કડવા પાટીદારોની કુળદેવી છે. મા ઉમિયાએ આઘશક્તિ સ્વરૂપે સૃષ્ટિની ઉત્પતિ કરી. મા સરસ્વતી, મા લક્ષ્મી અને મા કાલી તેના જ સ્વરૂપો છે.

જ્યારે જ્યારે આસુરી શક્તિઓનું પ્રભુત્વ વધ્યું, ત્યારે ત્યારે મહાશક્તિએ યુગે યુગે જુદા જુદા સ્વરૂપે પ્રગટ થઇ તેનો સંહાર કરી દેવી શક્તિઓનું રક્ષણ કર્યુ. જગતમાં જ્યાં જ્યાં શક્તિ છે ત્યાં ત્યાં મા ઉમિયાનો પ્રભાવ છે, તે જ શક્તિ દિવ્યતા અને તેજ પ્રદાન કરે છે.

આ જ ઉમિયા માતાજી ઊંઝામાં બિરાજે છે. અને એટલે જ ઊંઝા એ કડવા પાટીદારો માટે શ્રદ્ધાનું બહુ મોટું કેન્દ્ર છે.
 

મંદિરનું બાંધકામ 

મા ઉમિયાનું મંદિર પ્રથમ કોણે બનાવ્યું તેની કોઇ આધારભૂત માહિતી નથી. વહીવંચા બારોટોના ચોપડાના આધારે ભગવાન શંકરે મા ઉમિયાની ઊંઝા ખાતે સ્થાપના કરી. તે બાદ રાજા વ્રજપાલસિંહજીએ મંદિર બનાવ્યું અને મોટો યજ્ઞ કર્યો. તે બાદ રાજા અવનીપતે મા ઉમિયાની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી અને સવા લાખ શ્રીફળ હોમ્યા હતા. અને ઘીના કુવા ભરી હોમ કર્યો હતો.

તે બાદ મંદિર જીર્ણ થતાં વિ.સંવત ૧૧૨૨/૨૪ માં ગામી સાખના વેગડા ગામીએ મા ઉમિયાનું મંદિર બનાવ્યું. મા ઉમિયાનું તે મંદિર હાલ મોલ્લોત વિભાગના શેષશાયી ભગવાનની જગ્યા છે ત્યાં હતું.આ મંદિરને વિ.સંવત ૧૩૫૬ આસપાસ દિલ્હીના સુલતાન અલાઉદીન ખીલજીના સુબા ઉલુધખાને તોડયું. તે વખતે માતાજીની મૂર્તિ મોલ્લોતોના મોટા માઢમાં આજે ગોખ છે, ત્યાં રાખી, માતાજીનું મંદિર ત્યાં હોવાને લીધે માતાજીની પલ્લી દર જેઠ સુદ બીજના રોજ, હેલખેલના હળોતરા, ભતવારી, ચાર મોટા માટલાંથી જોવાતા શુકન વગેરે ત્યાંથી થતું. 

વૈષ્ણવ વાણીયાઓ અનાજ વહોરવા આવતા અને તે અનાજથી શુકન જોવાતા. અઢારમી ઓગણીસમી સદીમાં અંગ્રજોના વખતમાં શાન્તિનો સમય હતો. માતાજીનું ઇંટ ચુનાનું મંદિર હાલની જગ્યાએ થયું. કોણે અને ક્યારે બન્યાની માહિતી નથી. મંદિરનો કિલ્લો વિ.સંવત ૧૮૭૩ થી ૧૮૭૯ માં બન્યો.

મા ઉમિયાના ઇંટ ચુંનાના મંદિરની જગ્યાએ નવિન પથ્થરનું મંદિર વિ.સંવત ૧૯૪૩ ઇ.સ.૧૮૮૭ માં તૈયાર કરવામાં આવ્યું. શ્રી રામચંદ્ર મનસુખલાલે કડવા પાટીદારના જુદા જુદા વિસ્તારના આગેવાનોની મીટીંગ વિ.સં.૧૯૧૬ ઇ.સ.૧૮૬૦ માં બોલાવી ફંડ ફાળો કરી એક લાખ રૂપિયાનું ઉધરાણું કર્યું. અને તેમણે વિ.સં.૧૯૨૧ ઇ.સ.૧૮૬૫ માં ઇંટ-ચુંનાના મંદિરની જ્ગ્યાએ નવું પથ્થરનુ મંદિર બનાવ્યું. 

તે બાદ અધુરા કામ માટે રાવબહાદુર બેચરદાસ અંબાઇદાસ લશ્કરીએ તા.૧૮-૧-૧૮૮૩ માં કડવા પાટીદાર સમાજના ૪૦૦ આગેવાનોની મીટીંગ અમદાવાદ પોતાના ઘેર બોલાવી લોક ફાળો ર્ક્યો અને વિ.સં.૧૯૪૦ માં પાટડી દરબાર અને રાવબહાદુર બેચરદાસ લશ્કરીની આગેવાનીમાં મંદિર બાંધકામ અને વહીવટ માટે એક પંચની રચના કરી. જેમાં ઊંઝા, કડી, ઉમતા, ચાણસ્મા, ઉપેરા, સરઢવ, લાંધણજ, રૂપાલ, મહેસાણા અને પીલોદરાના આગેવાનો હતા.
 


તે વખતે ગાયકવાડશ્રીએ પણ માતાજીને ભેટ રૂપે રૂ.૧૫૦૦/-મોકલ્યા હતા. તા.૨૫-૧-૧૮૮૪ ની આ પંચની મીટીંગમાં કડવા પાટીદાર સમાજમાંથી ઘર દીઠ એક રૂપિયો ઉધરાવવાનો ઠરાવ કર્યો, ઉધરાવેલી રકમથી અધુરું બાંધકામ શરૂ થયું. મંદિરનું બાંધકામ વિ.સંવત.૧૯૪૩ માં પૂર્ણ કરી તા.૬-૨-૧૮૮૭ ના રોજ વાસ્તુ પૂજન કરી, મંદિર ખુલ્લુ મુકાયું.
 


ગાયકવાડ સરકારે માતાજીને કિંમતી પોશાક ભેટ આપ્યો. બેચરદાસ લશ્કરીને પણ શાલ, જોટો અને પાઘડી ભેટ આપી. તે વખતે શ્રી નાગરદાસ ઉગરદાસ પટેલ- મોલ્લોત અને શ્રી કશળદાસ કિશોરદાસ પટેલ- રૂસાતે સોનાનું શિખર ચડાવવાનો રૂ.૨૦૦૦/- નો ચડવો લીધો. તે બાદ તા.૧-૪-૧૮૮૭ વિ.સં.૧૯૪૩ માં માનસરોવર બાંધકામ શરૂ કરી ઇ.સ.૧૮૯૫ વિ.સં.૧૯૫૧ માં પૂર્ણ કર્યું.
 


આ મંદિરનો અને માનસરોવરનો શિલાલેખ મોજુદ છે.
 


વિ.સંવત ૧૯૮૭ તા.૨-૫-૧૯૩૧ માં માતાજી સંસ્થાનનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને ઇ.સ.૧૯૫૨ માં સંસ્થાના સ્ટની નોંધણી રજી.નં.અ/૯૪૩ મહેસાણાથી કરવામાં આવી.
બંધારણની રચના બાદ ઇ.સ.૧૯૩૧ થી ૧૯૫૬ સુધી સંસ્થાના હોદ્દેદાર સુત્રધારો નીચે મુજબ હતાં.
 


પ્રમુખશ્રી - શ્રી દુર્ગાપ્રસાદ શંભુપ્રસાદ લશ્કરી – અમદાવાદ ઉપપ્રમુખશ્રી - શ્રી લાલસિંહજી રાયસિંહજી દેસાઇ-પાટડી મંત્રીશ્રી - શ્રી નંદલાલ મંછારામ પટેલ- અમદાવાદ તે બાદ આ કમીટી દ્વારા ઓરડીઓ, દુકાનો, પાવર હાઉસ, નાની ધર્મશાળા, ટાવર, કમીટી હોલ વગેરે ઇ.સ.૧૯૭૧-૭૨ સુધી બનાવવામાં આવ્યા.
 


મંદિરનો ઇતિહાસ


મા ઉમિયાની ઉત્પત્તિ-પ્રથમ અવતાર સૃષ્ટિની રચના માટે શિવ તત્વએ સતીને પ્રગટ કર્યા. સતીએ દક્ષ પ્રજાપતિના ત્યાં જન્મ લીધો. તેઓનાં ભગવાન શિવ સાથે લગ્ન થયાં. દક્ષજીને જમાઇ શિવ પ્રત્યે અભાવ થયો હોવાથી તેમના અપમાન માટે યજ્ઞ કર્યો અને શિવને આમંત્રણ ન આપ્યું. સતી પિતાજીને ત્યાં યજ્ઞમાં વગર આમંત્રણે ગયાં. તેમનું તથા ભગવાન શિવનું અપમાન થયું. તે સહન ન થતાં સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી.
 


ભગવાન શંકર આથી કોપાયમાન થયાં. સતીના શબને કાંધે લઇ તાંડવ કરવા લાગ્યા. હાહાકાર મચ્યો. સૃષ્ટિને બચાવવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગના એકાવન ભાગ કર્યા. તે જ્યાં પડયો ત્યાં શકિતપીઠ બની.
 


મા ઉમિયાની ઉત્પત્તિ-બીજો અવતાર સતીએ પોતાની કાયાને યજ્ઞકુંડમાં હોમતાં પહેલા બીજા અવતારે પણ ભગવાન શિવ પતિ તરીકે મળે તેવી કલ્પના કરી. સતીના ગયા પછી શિવ વૈરાગી બન્યા. સૃષ્ટિ પર તારકાસુરનો ત્રાસ વધ્યો. બ્રહ્માજીના વરદાનથી માત્ર શિવના પુત્રથી જ તે મરે-તેવું વરદાન મેળવ્યું.
 


શિવને દેવોએ સર્વજન હિતાય લગ્ન માટે તૈયાર કર્યા. સતીએ હિમાલય અને મેનાના ત્યાં બીજો અવતાર લીધો. અને પાર્વતી- ઉમા તરીકે ઓળખાયાં. કઠિન તપ ર્ક્યું. શિવ સાથે લગ્ન થયાં. તેમના પુત્ર કાર્તિક (સ્કંદ) દ્વારા તારકાસુર હણાયો.
 


મા ઉમિયા દ્વારા પાટીદારોની ઉત્પત્તિ- કુળદેવી મા ઉમિયા ભગવાન શિવ રાક્ષસ હણવા ઉમા સાથે ગયા. સરસ્વતી તીરે ઉમાને ઉતાર્યા. ઉમાએ માટીનાં બાવન પૂતળા બનાવ્યાં. ભગવાન શિવે આવીને સજીવન ર્ક્યાં. જે કડવા પાટીદારોની બાવન શાખના મુળપુરુષો થયા. મા ઉમા કડવા પાટીદારોના કુળદેવી બન્યાં. તેમને સુખી, સમૃધ્ધ અને આબાદ થવાના અને જ્યારે યાદ કરશે ત્યારે સહાય કરવાના આશીર્વાદ આપ્યા. ભગવાન શિવે ઉમાપુર ખાતે મા ઉમાની સ્થાપના કરી. અખંડરૂપે મા ઉમિયા મા ઉમિયાના દેહના ભાગોમાંથી એકાવન શક્તિ પીઠ બની. જ્યારે બીજા અવતારે ઊંઝા ખાતે માની સ્થાપના શિવે કરી, જે તેમનું અખંડ સ્વરૂપ છે. શરીરના ભાગની કોઇ શક્તિપીઠ નથી. જેની આરાધનાથી સર્વની મનોકામના પૂર્ણ થાય છે.
 


બીજી પૌરાણિક કથા- પાટીદારો લવ- કુશનાં વંશજો સીતાજી મા ઉમિયા - ગૌરીની પૂજા કરતાં, જનક ઉદ્યાનમાં રામચંદ્રજી સાથેના પ્રથમ મિલને પતિ તરીકે મેળવવાની કામના માના આશીર્વાદથી પૂર્ણ થઇ. તેઓ ધરતીમાં સમાયાં ત્યારે લવ- કુશને મા ઉમાને સોંપ્યા હતા. ત્યારથી તેઓ મા ઉમિયાની પૂજા કરતા આવ્યા છે. તેમના વંશજો પણ મા ઉમિયાની પૂજા કરતા આવ્યા છે. સીતા માતા પણ જનકવિદેહીને ખેતર ખેડતા મળ્યાં હતાં. જનકવિદેહી પ્રથમ કૃષિકાર(ખેડૂત) જણાઇ આવે છે. પાટીદારો પણ ખેતી સાથે જોડાયેલા છે. મા ઉમિયાનું વાહન પણ નંદી છે, જે પણ ખેતીનો મૂળ આધાર છે. આમ પાટીદારોનો રામચંદ્ર-સીતાજી, લવ-કુશ સાથે નાતો જણાઇ આવે છે. પાટીદારો ક્ષત્રિય હતાં અને તેમની કુળદેવી મા ઉમિયા જ છે.
 


ઐતિહાસિક સંદર્ભમાં પાટીદારોની ઉત્પત્તિ પાટીદારો આર્યા છે. મધ્ય એશિયામાંથી પંજાબ આવ્યા. ત્યાંથી સારાં જમીન પાણી જોઇ જુદા જુદા વિસ્તારમાં ફેલાયા. પંજાબમાં યુધ્ધો અને સંધર્ષથી કંટાળી રાજસ્થાન થઇ ગુજરાત વસ્યા. બીજી બાજુ ગંગા જમનાનાં મેદાનો દ્વારા યુ.પી, બિહાર, નેપાળ સુધી ગયા. કેટલાક મધ્યપ્રદેશ થઇ, મહારાષ્ટ્રથી છેક તમિલનાડુ સુધી ફેલાયા. ગુજરાતમાં જમીનની પાટીધારણ કરનાર પાટીદાર બન્યા. ગાયકવાડીમાં ખેતીના પટ રાખનાર “
પટેલનો હોદ્દો મેળવતો. 


યુ.પી. ખાતે કુર્મિક્ષત્રિય તરીકે ઓળખાતી આ જાતિ કુર્મિમાંથી કુલમી-કુનબી-કણબી થયા. આ કોમ ક્ષત્રિયમાંથી ખેતી-પશુપાલન કરનાર “પાટીદાર” અને પછીથી “પટેલ” બન્યા. તેઓ જ્યાં ગયા ત્યાં મા ઉમિયાની પૂજા કરતા રહ્યાં. પંજાબથી આવવાથી પંજાબના ગામોના નામ પરથી અટકો ધારણ કરી. પાટીદારો પંજાબમાંથી આવ્યા હોવાને કારણે તેમણે પંજાબના ગામોના નામ પરથી અટકો ધારણ કરી છે. દા.ત. મોડલેહથી મોલ્લોત, રોહિતગઢથી રૂસાત, અવધથી અવધિયા, કનોજથી કનોજીયા વગેરે.
 


રાજા વ્રજપાલસિંહજી અને ઊંઝાનું મંદિર યુ.પી., બિહારની સરહદે માધાવતીના રાજા વ્રજપાલસિંહજી મહેત દેશના રાજા ચંદ્રસેન સામે યુધ્ધમાં હાર્યા. ત્યાંથી પોતાના રસાલા સાથે ગુજરાત આવ્યા. માતૃશ્રાધ્ધ માટે સિધ્ધપુર આવ્યા. અહીં તેમને પોતાના સ્વજાતિ બંધુઓનો મેળાપ થયો. તેમને આગ્રહથી અહીં ઊંઝા રોકયા અને સ્થાયી થયા. રાજા વ્રજપાલસિંહજીએ ઇ.સ.૧૫૬ સંવત ૨૧૨ માં મા ઉમિયાનું મંદિર બનાવ્યું અને મોટો હવન કર્યો.
 


વેદકાળથી મા ઉમિયાની પૂજા ઇ.સ. પૂર્વે ૧૨૫૦ થી ૧૨૦૦ના સમયગાળામાં પાટીદારો ગુજરાત આવી વસ્યા. સાથે મા ઉમિયાની પૂજા ચાલુ રાખી. વેદોમાં ધન - ધાન્ય અને સમૃધ્ધિની દેવી તરીકે પૂજાતી ઉષાદેવી તે જ ઉમાદેવી છે. ઊંઝામાં મા ઉમિયાનું મંદિર બન્યું. ત્યાં દર આસો સુદ-૮ના રોજ “પલ્લી” ભરવાનું પણ ચાલું રાખ્યું. ઊંઝા આસપાસના ગામોમાં પણ પલ્લીઓ ભરાય છે.
 


મા ઉમિયાનું મંદિર દંતકથા પ્રમાણે મા ઉમિયાની સ્થાપના ઊંઝા ખાતે ખુદ ભગવાન શંકરે કરી હતી. ઇ.સ.૧૫૬ સંવત - ૨૧૨ માં રાજા વ્રજપાલસિંહજીએ મંદિર બાંધ્યું. રાજા અવનીપતે સવા લાખ શ્રીફળના હોમ સાથે કુવા બનાવી ઘી ભરી હોમ કરી મોટો યજ્ઞ કરેલો. વિ. સંવત ૧૧૨૨/૨૪ માં વેગડા ગામીએ મંદિર બાંધ્યું. જે વિ.સં.૧૩૫૬ આસપાસ અલાઉદ્દીન ખીલજીના સુબા ઉલુઘખાને તોડયું. તે મંદિર હાલ મોલ્લોત વિભાગમાં શેષશાયી ભગવાનની જગ્યા છે, ત્યાં હતું. માતાજીની મૂર્તિને મોલ્લોતોના મોટા મઢમાં સાચવી જ્યાં આજે ગોખ છે, તે જ માતાજીનુ મુળ સ્થાન છે.
 


અહીં આસો સુદ - ૮ના રોજ પલ્લી ભરાય છે. અહીં જેઠ સુદ-૨ના હેલખેલના હળોતરા, ભતવારી તથા શુકન જોવાતા. હાલનું મંદિર વિ.સંવત ૧૯૪૩ ઇ.સ.૧૮૮૭માં જીર્ણોધ્ધારથી કડવા પાટીદાર સમાજના ઘર ઘરના ફાળાથી બન્યું. આ મંદિરનું બાંધકામ શરૂમાં શ્રી રામચંદ્ર મનસુખલાલે, ત્યાર બાદ રાવ બહાદુર બેચરદાસ અંબાઇદાસ લશ્કરીએ બાંધ્યું. જેમાં ગાયકવાડ સરકારે અને પાટડી દરબારે ફાળો આપ્યો હતો.
 


મંદિરના તા.૬/૨/૧૮૮૭ ના વાસ્તુપૂજનમાં ગાયકવાડના પ્રતિનિધિ હાજર રહી, માતાજીને કિંમતી પોશાક ભેટ આપ્યો હતો. અને શ્રી બેચરદાસ લશ્કરીનું પણ સન્માન ર્ક્યું હતું. તે વખતે શ્રી નાગરદાસ ઉગરદાસ પટેલ મોલ્લોત અને શ્રી કુશળદાસ કિશોરદાસ રૂસાતે સોનાનું શિખર ચડાવવાનો રૂ.૨૦૦૦/- માં ચડાવો લીધો હતો. તે બાદ ઇ.સ. ૧૮૯૫માં માન સરોવર બંધાયું. મંદિરના બાંધકામમાં શ્રી બેચરદાસ લશ્કરીની આગેવાનીમાં એક પંચની નિમણુક કરી. આ બાંધકામનો શિલાલેખ તથા માનસરોવરના બાધકામનો શિલાલેખ સંસ્થામાં
છે.